November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

જીંદગીઓ શું કામ આગમાં હોમી ? સુરત કડોદરા વીવા પેકેજિંગમાં લાગેલી આગમાં ચોંકાવનારા ખુલાસા

પલસાણા તાલુકાના વરેલી ખાતે તુલસીપત્ર એમ્બ્રોઈડરી પાર્કમાં આવેલી વીવા પેકેજિંગ નામની પ્લાસ્ટિકની બેગ, માસ્ક અને પીપીઈ કિટ બનાવતી ફેક્ટરીમાં સોમવારે મળસકે ફટી નીકળેલી આગ બે વર્ષ અગાઉ શહેરના સરથાણા વિસ્તારમાં બનેલી તક્ષશિલા અગ્નિકાંડની યાદ તાજી કરાવી ગઈ હતી. ફેક્ટરીમાં ભડકી ઊઠેલી આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરતા જીવ બચાવવા માટે મજૂરોએ છેક પાંચમા માળેથી નીચે કૂદવા સાથે પાઈપ પકડી તેમજ બેગની ચેઈનના બંડલ નીચે નાંખી તે પકડીને ઊતર્યા હતા. જેમાં 71 જેટલા મજૂરોને ઇજાઓ થતાં કામરેજની સંજીવની અને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે જીવ બચાવવાના ચક્કરમાં નીચે કૂદી પડેલો મજૂર અને બેઝમેન્ટમાંથી દાઝી હાલતમાં મળેલા મજૂરનું મોત નીપજ્યું હતું. બીજી બાજુ સુરત ફયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે સમયસર દોડી જઈ 125 જેટલા મજૂરોને રેસ્ક્યૂ કરી બચાવ્યા હતા.

કડોદરા જીઆઈડીસીના પોલીસ ઇન્સ્પેક્ટર પટેલે જણાવ્યું હતું કે, આ ઘટનામાં પોલીસે ફેક્ટરી સંચાલક જનક મધુ જોઘાણી, શૈલષ વિનુ જોધાણી અને મેનેજર દિનેશ નાથા વઘાસિયા વિરુદ્ધ સદોષ માનવવધનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ફેક્ટરીમાં ઇમર્જન્સી એક્ઝિટ કે ફયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નહોતી. ફેક્ટરીનું રજિસ્ટ્રેશન પણ નથી. શોર્ટ સર્કિટને કારણે આગ ભડકી હોવાની શક્યતા છે.

કંપનીમાં જવા તેમજ આવવા માટે એક જ પ્રવેશદ્વાર હતો અને તે પણ બંધ હોવાથી મજૂરો બહાર નીકળી શક્યા નહોતા જેને લઇ અંદર હાજર તમામ કામદારોના જીવ પડીકે બંધાયા હતા. જેને લીધે ભયભીત મજૂરો કંપનાના પાંચમા માળે છત પર ચઢી ગયા હતા અને ત્યાંથી દોરડાની પ્લાસ્ટિકની બેગમાં વપરાતી ચેઈનના બંડલ નાંખી તેમજ પાઇપની મદદથી કામદારોએ પોતાનો જીવ બચાવવા કોશિશ કરી હતી. જ્યારે કેટલાક પાંચમા માળેથી નીચે કૂદી પડયા હતા. રેસ્ક્યૂ માટે વેસુ, કતારગામ, કામરેજ, ડુંભાલ, પુણા, મોટા વરાછા, કોસાડ, ડિંડોલી ફયર સ્ટેશનની 17 ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *