November 27, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

આને કહેવાય ગુજરાતની મીઠાઈનો વટ્ટ, દિવાળીમાં પાટણની મીઠાઈની માંગ દરિયાને પેલી પાર પણ એટલી જ…

પાટણ જિલ્લો સરહદની કાંધીએ આવેલો હોવાથી અહીં વરસાદના વધતા-ઓછા પ્રમાણને લીધે પશુપાલન અને ડેરી ઉદ્યોગ સારી રીતે વિકસી શક્યો નહોતો, ત્યારે દૂધની ઊણપને લક્ષમાં લઈને દૂધ વગરની મીઠાઈ તરીકે દેવડાનો આવિષ્કાર થયેલો. દેવડા શુદ્ધ ઘી ઉપરાંત ડાલડા ઘીમાં પણ બનાવાય છે, જેથી એની કિંમત ઓછી રહેતાં નિમ્ન વર્ગ પણ એની મીઠાશથી બાકાત ન રહી જાય. હવે તો દેવડા કેસર, ચોકલેટ, બદામ-પિસ્તા અને બટરસ્કોચ જેવી વિવિધ ફ્લેવર્સમાં પણ બને છે, જે એની મીઠાશમાં સોનામાં સુગંધ ભળવા જેવું કાર્ય કરે છે. ડાલડા ઘીથી લઈને શુદ્ધ ઘીના દેવડાની કિંમત ૧૬૦થી ૩૮૦ રૂપિયા પ્રતિ કિલો હોય છે, જે સૌના બજેટને અનુકુળ આવે છે, એટલે જ કહેવાય છે કે દેવડાથી હેલ્થ અને વેલ્થ બંને સચવાઈ જાય છે.

પાટણમાં બનતા દેવડામાં ખાસ કારીગરોની આવડત ઉપરાંત અહીંના હવામાન અને પાણીની અસર એના સ્વાદમાં જાેવા મળે છે, જેને કારણે દેવડા એટલા સોફ્ટ બને છે કે મોઢામાં મૂકતાં જ એ વેરાઈ જાય. અનેક લોકોએ પાટણના કારીગરોને લઈ જઈને અન્ય સ્થળોએ દેવડા બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમાં પાટણ જેવો સ્વાદ કે ગુણવત્તા જળવાતા નથી, એમ ૧૫૦ વર્ષની જૂની દુકાનના મૌલિક ભાઈ સુખડિયાનું કહેવું છે. ૨૦૦ વર્ષનો ઈતિહાસ ધરાવતા અને શુભ પ્રસંગો તથા તહેવારોની ખુશીઓમાં વધારો કરતા દેવડા ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં મીઠાઈ તરીકે એવું સ્થાન પામી ગયા છે કે કોઈ નવું મકાન કે બિલ્ડિંગ બનાવતું હોય ત્યારે કે ધંધા-વેપારના શુભારંભ ટાણે ચવાણા સાથે દેવડા વહેંચવામાં આવે છે.

હાલ તહેવારની સીઝનમાં દેવડાની ભારે માગ ઊઠી છે અને ભેટ-સોગાદ તરીકે સરકારી કે ખાનગી ઓફિસોમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ પહોંચી રહ્યા છે૧૦૦ રૂપિયાની નવી ચલણી નોટ પર સ્થાન પામેલા વર્લ્‌ડ હેરિટેજ રાણકીવાવ ધરાવતા અને પદમણી નાર પોતાના છેલાજીને જ્યાંના મોંઘામૂલા પટોળા લાવવા અરજ કરે છે એ શહેર પાટણ એના ખાસ મિષ્ઠાન દેવડા માટે પણ એટલું જ પ્રખ્યાત છે. શુભ પ્રસંગે મીઠાઈ તરીકે વહેંચવામાં આવતી દેવડા મીઠાઈનો ઈતિહાસ ૨૦૦ વર્ષ જૂનો હોવાનું મનાય છે. દિવાળી અને તહેવારની સીઝનમાં ફેન્સી મીઠાઈના વધતાા ચલણ વચ્ચે પણ પાટણના દેવડાની મીઠાશ અકબંધ છે. દિવાળીના તહેવારોમાં પાટણના દેવડા અંદાજિત ૫ હજાર કિલોથી પણ વધુ વેચાય છે, જેનો ભાવ ૧૫૦થી લઇને ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો હોય છે.

આ દેવડા અનેક શહેરો સહિત વિદેશમાં પણ મોકલાય છે. દેવડા એ સૌના ખિસ્સાને પરવડે એવી સોફ્ટ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે, જે મેંદાના લોટ અને શુદ્ધ ઘીમાંથી તૈયાર કરવામાં આવે છે, જેમાં પ્રમાણસર ખાંડનું લેયર ચઢાવીને મીઠાશ ઉમેરાય છે અને ઉપર સૂકામેવાની કતરણ દ્વારા સજાવટ કરાય છે. પાટણના દેવડા એના સ્વાદ અને ખાવામાં સોફ્ટનેસને લઈને રાજ્યભરમાં પ્રખ્યાત છે. દેવડા એ સૂકી મીઠાઈ હોવાથી અન્ય મીઠાઈની જેમ ઝડપથી બગડી જતી નથી. વળી, એ દૂધ અને માવામાંથી બનતી મીઠાઈ કરતાં ઓછું ગળપણ અને ઓછું કોલેસ્ટેરોલ ધરાવતી હોઈ, સ્વાસ્થ્ય માટે સાનુકૂળ યોગ્ય સ્વીટ છે, એટલે જ તો પાટણથી દર વર્ષે મોટા પ્રમાણમાં દેવડા એક્સપોર્ટ થતા હોઈ, એની મીઠાશ દરિયાપાર વસતા એનઆરઆઈઓને પણ દાઢે વળગેલી છે. દિવાળીમાં ભેટ-સોગાદ તરીકે અપાતી મીઠાઈમાં દેવડા અવ્વલ સ્થાન ધરાવે છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *