હવે મહિન્દ્રા પણ બનાવશે ઇલેક્ટ્રિક સ્કૂટર, આ કંપની સાથે કરી મોટી ડીલ
મહિન્દ્રા ગ્રૂપ હવે ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવવાનું કામ કરશે. કંપની તેના પીથમપુર પ્લાન્ટમાં બે ઇલેક્ટ્રિક સ્કૂટરનું ઉત્પાદન કરશે. આનંદ મહિન્દ્રાની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે ઈલેક્ટ્રિક સ્કૂટર બનાવવાનો કરાર કર્યો છે. કંપની હીરો ઇલેક્ટ્રિકના ઓપ્ટિમા અને એનવાયએક્સ સ્કૂટર્સનું ઉત્પાદન કરશે.
આનાથી હીરોને ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં તેની લીડ બનાવવામાં મદદ મળશે, કારણ કે ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાથી ડિલિવરીના સમયમાં ઘટાડો થશે. મહિન્દ્રા ગ્રુપ અને હીરો ઈલેક્ટ્રિક વચ્ચે આ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ ડીલ 5 વર્ષ માટે કરવામાં આવી છે. આ ડીલ હેઠળ 140 થી 150 કરોડનું ટ્રાન્ઝેક્શન થશે. હીરો ઈલેક્ટ્રીકે તાજેતરમાં જ તેની લુધિયાણા ફેક્ટરીનું વિસ્તરણ કર્યું છે.

હવે મહિન્દ્રા સાથેના આ સોદા બાદ કંપની 2022માં 1 મિલિયન ઈલેક્ટ્રિક વાહનોની માંગને પહોંચી વળવા સક્ષમ બનશે. તાજેતરમાં, મહિન્દ્રા ગ્રૂપે કાર સિવાય બાઇક, સુપરકાર અને અન્ય પ્રકારના ઓટોમોટિવ સેક્શન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું છે. મહિન્દ્રા ગ્રૂપની અન્ય એક કંપની, ક્લાસિક લિજેન્ડ્સે તાજેતરમાં યેઝદી બ્રાન્ડ હેઠળ 3 મોટરસાઇકલ લૉન્ચ કરી છે.