ગુજરાતમાં આજે 8,690 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનો ખરેખરો જંગ, મતદાનમાં અનિચ્છનીય ઘટના ન બને એ માટે 51,745 પોલીસ કર્મીઓ તૈનાત
વિધાનસભાની ચૂંટણી પહેલા આજે સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. સરકારની નીતિઓ, સ્થાનિક પ્રશ્નોને કારણે 2,651 ગ્રામ પંચાયતોમાં ગ્રામિણ નાગરીકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે 22 નવેમ્બરે ગુજરાતમાં 10,812 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી પરંતુ, 19 ડિસેમ્બરે એટલે કે આજે રવિવારે તે પૈકી માત્ર 8,690 પંચાયતોમાં જ મતદાન થશે.

આજે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે. તો આ તરફ મતદાન પ્રક્રિયા દરમિયાન કોઇ અનિચ્છીય બનાવ ન બને તેના માટે તંત્ર સજ્જ છે. રાજ્યમાં અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો તારવવામાં આવ્યા છે. સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રાજકીય પક્ષના મેન્ડેટ કે નિશાન વગર યોજાતી આ ચૂંટણીમાં મતદાન પૂર્વે જ 1165 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ ચૂકી છે. આજે જ્યાં મતદાન યોજાવાનું છે તે 8,670 પંચાયતોમાં સરપંચના 8,513 પદો સામે 27,200 અને વોર્ડ સભ્યના 48,573 પદો માટે 1,19,998 ઉમેદવારો મેદાને છે. એક કરોડ 81 લાખ 97 હજાર 39 ગ્રામિણ મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તેના માટે 51,745 પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે તંત્ર સજ્જ થયું છે.