સત્ય. સાહસ. સંકલ્પ.

નરોડા ફ્લાયઓવર: વર્ક ઓર્ડર પ્રક્રિયા અંગે કમિટી ચેરમેને માગ્યો લેખિત ખુલાસો

નરોડા ફ્લાયઓવર: વર્ક ઓર્ડર પ્રક્રિયા અંગે કમિટી ચેરમેને માગ્યો લેખિત ખુલાસો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા સુધી બનાવાઈ રહેલા ફ્લાયઓવર બ્રિજનું કામ મૂળ રીતે જુલાઈ 2026માં પૂર્ણ થવાનું હતું. પરંતુ જમીન સંપાદન, યુટિલિટી લાઇનોના યોગ્ય મેપિંગના અભાવ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સહિતના કારણોસર આ પ્રોજેક્ટને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. હવે AMCના પોતાના નિયમોનું પાલન થયું કે કેમ તે અંગે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. જૈનિક વકીલે સવાલો ઉઠાવ્યા છે.

AMCની નીતિ મુજબ, કોઈપણ બાંધકામ પ્રોજેક્ટ માટે વર્ક ઓર્ડર આપતા પહેલાં સંપૂર્ણ સાઇટ ક્લિયરન્સ, અડચણમુક્ત વર્ક ફ્રન્ટ, જરૂરી યુટિલિટીનું મેપિંગ તથા સ્પષ્ટ ફાઇનલ ડ્રોઇંગ ઉપલબ્ધ હોવું આવશ્યક છે. આ તમામ બાબતો પૂર્ણ થયા પહેલાં વર્ક ઓર્ડર કેવી રીતે આપવામાં આવ્યો, તે અંગે ચેરમેને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને લેખિત સ્પષ્ટતા માગી છે.

બ્રિજ પ્રોજેક્ટમાં GFC ડ્રોઇંગ અને આર. એન્ડ. બી. એપ્રુવલ મેળવવામાં કુલ 556 દિવસનો વિલંબ થયો છે. આ વિલંબ માટે જવાબદારી નક્કી કરવામાં આવી છે કે કેમ, તેમજ વિલંબને સમર્થન આપતું લેખિત પ્રમાણપત્ર લેવામાં આવ્યું છે કે કેમ, તે અંગે પણ ચેરમેને જવાબ માગ્યો છે. આ ઉપરાંત ડિઝાઇન કન્સલ્ટન્ટની ભૂમિકા હોય તો તેની સામે ટેન્ડરની શરતો મુજબ કોઈ પેનલ્ટી કે જવાબદારી નક્કી કરવામાં આવી છે કે કેમ તે પૂછવામાં આવ્યું છે.

પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરના કારણે 185 દિવસનો વિલંબ થયો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે ટેન્ડરની શરતો મુજબ વિલંબ બદલ લાગુ પડતી LD પેનલ્ટી વસૂલવાને બદલે માત્ર રૂ. 50 લાખની પેનલ્ટી કયા નિયમ અથવા શરતના આધારે નક્કી કરવામાં આવી, તે અંગે પણ સ્પષ્ટતા માગવામાં આવી છે. કોન્ટ્રાક્ટરની ભૂલને કારણે થયેલા વિલંબના સમયગાળા દરમિયાન કોન્ટ્રાક્ટરને ભાવ વધારો ચૂકવવાનો થાય કે નહીં, તે અંગેની ટેન્ડરની જોગવાઈ પણ રજૂ કરવા જણાવાયું છે.

આ પ્રોજેક્ટ અંગે AMCના અધિકારીઓએ નિયમોનું પાલન કર્યું હતું કે કેમ, તેની તપાસ થવી જોઈએ, તેવી માંગ ઉઠી છે. ચેરમેન ડૉ. જૈનિક વકીલે કહ્યું છે કે, જાહેર નાણાંનો ઉપયોગ થતો હોય તેવા પ્રોજેક્ટમાં પારદર્શિતા અને જવાબદારી આવશ્યક છે. તેથી વર્ક ઓર્ડર આપવાની પ્રક્રિયા, વિલંબના કારણો અને પેનલ્ટીની ગણતરી અંગે સ્પષ્ટ ખુલાસો મેળવવો જરૂરી છે.

નોંધનીય છે કે, આ ફ્લાયઓવર બ્રિજ અમદાવાદ શહેરના પ્રવેશદ્વારોમાંનો એક ગણાતા નરોડા વિસ્તારને ગેલેક્સી સિનેમા સાથે જોડશે, જે ટ્રાફિક સમસ્યાના સમાધાન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં આ મુદ્દે વધુ માહિતી માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરફથી જવાબ આવવાની રાહ છે.