સત્ય. સાહસ. સંકલ્પ.

એપલના સીઈઓ ટિમ કૂકનું રાજીનામું: 15 વર્ષની કારકિર્દી પછી નવી ભૂમિકા

એપલના સીઈઓ ટિમ કૂકનું રાજીનામું: 15 વર્ષની કારકિર્દી પછી નવી ભૂમિકા

વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની એપલના સીઈઓ ટિમ કૂકે સોમવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. તેમનો સીઈઓ તરીકેનો છેલ્લો દિવસ હતો. આ સાથે એપલના ઇતિહાસમાં 15 વર્ષનો એક યુગ પૂરો થયો છે. કૂકે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ લખીને કર્મચારીઓ, ગ્રાહકો અને સમગ્ર એપલ સમુદાયનો આભાર માન્યો છે.

કૂકે લખ્યું, "આવતીકાલે મારું પદ ચોક્કસ બદલાશે, પરંતુ એપલ સમુદાય પ્રત્યેનો મારો પ્રેમ ક્યારેય નહીં બદલાય. તમે બધા મારા માટે પ્રેરણાનો સતત સ્ત્રોત રહ્યા છો અને તે બદલ મારી કૃતજ્ઞતા અનંત છે."

ટિમ કૂકે 1998માં એપલ જોઈન કરી હતી. એ પહેલા તેઓ કોમ્પેક કોર્પોરેશનમાં વરિષ્ઠ સ્થાને કાર્યરત હતા. એપલમાં તેઓ સપ્લાય ચેઇન અને ઓપરેશન્સના કાર્યક્ષમ સંચાલન માટે જાણીતા બન્યા. ઓગસ્ટ 2011માં એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સના અવસાન બાદ કૂકે સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

તેમના 15 વર્ષના કાર્યકાળ દરમિયાન કંપનીએ ઘણા નવા ઉત્પાદનો રજૂ કર્યા. 2015માં એપલ વોચ, 2016માં એરપોડ્સ અને 2024માં વિઝન પ્રો હેડસેટ જેવા ઉત્પાદનોએ ટેકનોલોજી ક્ષેત્રે નવા દાખલા સ્થાપ્યા. આ ઉપરાંત આઇફોન, આઈપેડ અને મેક કમ્પ્યુટર્સની શ્રેણીમાં પણ નોંધપાત્ર વિસ્તરણ થયું. એપલે ઇન્ટેલ પ્રોસેસર્સને બદલે પોતાની સ્વદેશી એપલ સિલિકોન ચિપ્સ બનાવવાનું શરૂ કર્યું, જેથી હાર્ડવેર અને સોફ્ટવેર પર નિયંત્રણ મજબૂત બન્યું.

કૂકના નેતૃત્વમાં એપલની બજાર કિંમત પણ આસમાને પહોંચી. કંપનીનું મૂલ્ય તેમના કાર્યકાળમાં વધીને 3 ટ્રિલિયન ડોલરની આસપાસ પહોંચ્યું. ગોપનીયતા અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પણ તેમણે પ્રાથમિકતા આપી. ભારતમાં વિસ્તરણ તેમની યાદગીરીનો એક ભાગ છે. 2023માં મુંબઈ અને દિલ્હીમાં એપલના સત્તાવાર રિટેલ સ્ટોર્સ ખુલ્યા, જેને ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળ્યો.

રાજીનામા બાદ ટિમ કૂક હવે એપલના બોર્ડમાં એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સેવા આપશે. આ ભૂમિકામાં તેઓ અમેરિકા, ચીન સહિત વિશ્વભરની સરકારો સાથે કંપની વતી સંવાદ કરશે. 1 સપ્ટેમ્બરથી જ્હોન ટર્ન્સ એપલના નવા સીઈઓ તરીકે જવાબદારી સંભાળશે. લાંબા સમયથી આયોજિત આ નેતૃત્વ સંક્રમણને એપ્રિલમાં એપલના બોર્ડે મંજૂરી આપી હતી.